



ગામનો ઇતિહાસ
અસલાલી ગામનો ઇતિહાસ ખૂબ જ વિશાળ છે અને મૂળમાં ગામની જુની વસાહતનું મહત્વપૂર્ણ સ્થાન છે. પ્રાચીન સમયમાં અસલાલી ગામનું સ્થાન તળાવ અને પરંપરાગત વાવ પાસે હતું જ્યાં ગામજનો પાણી મેળવવા માટે નિર્ભર હતા. પાણીની અછતને કારણે ગામજનો આજના સ્થળે વસ્યા અને અસલાલી ગામને નવી ઓળખ મળી. ગામનો ભૂતકાળ સંગઠન અને સહકારની ભાવનાથી ભરેલો રહ્યો છે. મહાત્મા ગાંધીજીની દાંડિયાત્રા ગામ ના ઇતિહાસમાં મહત્વની ઘટનાઓમાં ગણાય છે – 12 માર્ચ 1930ના રોજ ગાંધીબાપુ અને સત્યાગ્રહીઓએ અસલાલી ગામને પ્રથમ મુકામ તરીકે પસંદ કર્યું હતું અને ગામની ઐતિહાસિક ધર્મશાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીજીને સંબોધિત કર્યા હતા, જે ઘટનાને આજે પણ ગ્રામજનો ગૌરવપૂર્વક યાદ કરે છે.
આજના અસલાલી ગામની ઓળખ તેના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી પણ તેજ છે. ગામમાં વિશાળ તળાવ, જૂની વાવ, બટુભવાની માતાજી મંદિર, આશાપુરા માતાજી મંદિર, કંકુબા સંસ્કાર કેન્દ્ર, ધર્મશાળા અને સ્વામિનારાયણ મંદિર જેવા સ્થળો ગામને ધાર્મિક રૂપે સમૃદ્ધ બનાવે છે. તહેવારો અને મેળાઓ ગ્રામજનોને સંગઠિત રાખે છે. ગામના વિવિધ જાતિ અને સમુદાય ના લોકો સાથે મળીને એક સંયુક્ત પરિવાર તરીકે રહે છે, જ્યાં પટેલ, ઠાકોર, બ્રાહ્મણ, રબારી અને અન્ય સમાજના લોકો હળીમળીને રહે છે.
અસલાલી ગામનો આર્થિક વિકાસ પણ ઈતિહાસ સાથે જોડાયેલો છે. લગભગ 4667 એકર ખેતીલાયક જમીન ખેત ઉત્પાદન માટે આધારભૂત છે. ડાંગર, જુવાર, બાજરી, ઘઉં, શાકભાજી જેવી ખેતી ગ્રામજનો ના જીવનમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. સાહસિક અને સંકલ્પશીલ ગ્રામજનો ખેતીમાં નવી ટેકનિક અપનાવીને અને જોખમ ઉઠાવીને ગામના વિકાસમાં ભાગીદાર બનતા રહ્યા છે. ટ્રાન્સપોર્ટ અને વેપાર ગ્રામજનો માટે રોજગારની નવી તક પુરી પાડે છે, જ્યારે ઉદ્યોગિક વિસ્તારનો વધારો આર્થિક માળખાને મજબૂત બનાવે છે.
આજના અસલાલી ગામે વિકાસના ઘણા પગલા લીધા છે જેમ કે આરોગ્ય કેન્દ્ર લોકોને તંદુરસ્ત જીવન પ્રદાન કરે છે, બસ સ્ટેન્ડ, Fire Station અને ADC બેંક ગ્રામજનો ને અત્યાધુનિ જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડે છે. સહકારી મંડળી ખેતરમાં ખાતર, ધિરાણ અને જન ઔષધ કેન્દ્ર ગામના લોકો સુધી પહોંચાડે છે. CCTV, સ્ટ્રીટલાઈટ, વ્યવસ્થિત રોડ અને ગટર વ્યવસ્થા ગામને વ્યવસ્થિત રાખે છે. ડિજિટલ પંચાયત ભવન દરેક સરકારી સેવા સરળતાથી પુરી પાડે છે. અસલાલી ગામ તેનું ઇતિહાસ, સંગઠન, ધાર્મિક વારસો અને વિકાસ સાથે ગુજરાતના આદર્શ ગામોમાં સ્થાન ધરાવે છે અને સ્થાનિક લોકો ગામના ગૌરવને જીવંત રાખી રહ્યા છે.
ભૌગોલિક માળખું
અસલાલી ગામ અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પાસે આવેલું હોવાથી ટ્રાન્સપોર્ટ, વેપાર અને ગ્રામજનો માટે રોજગારની સારી તક ઉપલબ્ધ છે. ગામનું ભૌગોલિક માળખું સંગઠિત વસાહત, ખેતીલાયક જમીન અને તમામ લોકોના વિકાસ માટે અનુકૂળ છે. અલગ-અલગ ફળીયાઓમાં પટેલ, ઠાકોર, બ્રાહ્મણ, રબારી અને અન્ય સમાજના લોકો સાથે મળીને રહે છે અને ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખે છે.

અસલાલી ગામ એ તેનું ઇતિહાસ, સંસ્કૃતિ, સંગઠન અને લોકોનો સહકાર લઈને સતત વિકાસના માર્ગે આગળ વધતું રહ્યું છે. આજના સમયમાં ગામમાં આધુનિક માળખું, આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ, સહકારી સંસ્થા અને ધાર્મિક વારસો ગ્રામજનો ને સંગઠિત રાખે છે. ગામના લોકો નો સંગઠિત પ્રયાસ અને સેવાભાવ અસલાલી ને આદર્શ ગામ બનાવવામાં મદદરૂપ બન્યો છે. આપણે સૌ ગામના ગૌરવને વધુ મજબૂત બનાવી, આગામી પેઢીઓ માટે વિકાસ અને સંસ્કૃતિને જીવંત રાખીશું.
